Friday, 6 January 2017

કાચ જેવી આંખમાં ડોકાય છે!

                                                 

 કાચ જેવી આંખમાં ડોકાય છે,
એક સમણું રોજ ઘાયલ થાય છે.


આંખમાં લાગ્યું ગ્રહણ સમજાય છે,
તું ઝરૂખામાં હવે ક્યાં જાય છે?


હા ખબર છે કંટકોનો માર્ગ છે,
તે છતાં ત્યાં રોજ દિલ ખેંચાય છે.


રાત આખી ખૂનથી લથબથ હતી,
સૂર્યની લાલાશ ચાડી ખાય છે.


ભૂલવાની એક આદત બહુ ફળી,
ચાહવાની ભૂલ કાયમ થાય છે.


ખાલીપો મારો સભર છે ઓ ખુદા,
હાજરી તારી બધે વરતાય છે.


એક ચહેરાની અજબ જાદુગરી,
જ્યાં જુઓ ત્યાં એ 'શિવમ' દેખાય છે.


Wednesday, 14 December 2016

ઘણીવાર એકાંત એવું મળી જાય!

ઘણીવાર એકાંત એવું મળી જાય,
ને મારાપણું  પણ પછી ઓગળી જાય.

કદમ એના જે મારગે જાય એ માર્ગ,
ભલે સાવ સીધો હો તો પણ વળી જાય.

અરીસાની આંખોમાં આંખો ધરીને,
ખબર નહિ મને કોણ મુજથી છળી જાય.

મહોબતનો દસ્તૂર કાયમ રહ્યો છે,
પતંગા દિપક પર હમેશાં બળી જાય.

મને દોસ્ત એવા મળ્યા છે  શિવમ અહીં,
હ્રદયના બધા ભાવ એમ જ કળી જાય.
-શિવમ રાજપુત  શિવમ_વાવેચી

Monday, 12 December 2016

હું લીલો લીલો માણસ છું,

હું લીલો લીલો માણસ છું,
રણનો ગમતીલો માણસ છું.

રૂંવે રૂંવે ખુશ્બો મ્હેંકે,
તો પણ પથરીલો માણસ છું.

આળસ અંગે અંગે બેઠી,
દિલથી ખંતીલો માણસ છું.

જોગી જેવો દેખાવું છું,
મનથી મોજીલો માણસ છું.

મારાં નખરાં સાંખી નહિ 'કે?
હું બહુ ખોડીલો માણસ છું.

કોરો કોરો ચહેરો છે પણ,
બેહદ રંગીલો માણસ છું.

ફૂંફાડાથી અટકું છું હું,
બાકી ઝેરીલો માણસ છું.
-શિવમ રાજપુત શિવમ_વાવેચી,